પલક

જૂન 1, 2010

પલક ઝપકી, ‘ને એક પ્રકાશ રેલાયો વીશ્વમાં.
પલક ઝપકી, ‘ને બ્રહ્માંડ રચાયું ઘોર અન્ધકારમાં.
પલક ઝપકી, ‘ને જીવાંકુર ફુટ્યું આ ધરણીમાં.
પલક ઝપકી, ‘ને જીવન મહેંક્યું અફાટ સંસારમાં.
પલક ઝપકી, ‘ને બે જીવ મળ્યાં અણદીઠેથી.
પલક ઝપકી, ‘ને બે આત્મા એક થયાં તૃપ્તીથી.
પલક ઝપકી, ‘ને એક શ્વાસ વધ્યો જીન્દગીમાં.
પલક ઝપકી, ‘ને સ્નેહતણો રણકાર થયો દીલમાં.
પલક ઝપકી, ‘ને રસહીન થયો આ સંસાર.
પલક ઝપકી, ‘ને પ્રભુમીલન થયું જે નથી અસાર.

* સ્વરાંજલી

Advertisements

એક છોકરો + એક છોકરી + કંઇક બીજું ? – રમેશ પારેખ

મે 30, 2010

એક છોકરાએ સિટ્ટિનો હિંચકો બનાવી એક છોકરીને કીધું : ‘લે ઝૂલ’

છોકરાએ સપનાનું ખિસ્સું ફંફોસીને
સોનેરી ચોકલેટ કાઢી રે
છોકરીની આંખમાંથી સસલીનાં ટોળાએ
ફેંકી કૈં ચિઠીઓ અષાઢી રે

સીધી લીટીનો સાવ છોકરો ને પલળ્યો તો બની ગયો બેત્રણ વર્તુલ

છોકરીને શું ? એ તો ઝૂલી,
તે પછી એને ઘેર જતાં થયું સ્હેજ મોડું રે
જે કાંઇ થયું એ તો છોકરાને થયું
એના સાનભાન ચરી ગયું ઘોડું રે

બાપાની પેઢીએ બેસી તે ચોપડામાં રોજરોજ ચીતરતો ફૂલ.

* ટહુકો.કોમ

ચોકલેટનો બંગલો

મે 28, 2010

હોય એક સુંદર ચોકલેટનો બંગલો,

ચમકતો ચાંદામામા કેરા રંગનો;

ચોકલેટનાં બંગલાને ટોફીનાં દ્વાર,

ખિસકોલી પૂંછડે ઝાડુનો માર.

હોય એક.

.ગોળ ગોળ લેમનનો ગોખલો છે નાનો,

હેલો હેલો કરવાને ફોન એક છાનો;

બિસ્કીટને ટોડલે સુંદર છે મોર,

પીપરમીંટનાં આંગણામાં લાલ ફૂલ ડોલ.

હોય એક..

ચાંદીના ઝાડ પાછળ ચાંદામામા ભમતા,

મોતીનાં ફલોમાં સંતાકૂકડી રમતા;

ઊંચે ઊંચે હિંચકો ખૂબ ઝૂલે ઝૂલ,

મેનાનું પીંજરૂં ટાંગે રંગલો.

હોય એક..

-રણકાર

મંગલ ફેરા

મે 25, 2010

પહેલું પહેલું મંગળીયું વરતાય રે

પહેલે મંગળ ગાયોનાં દાન દેવાય રે

અગ્નિદેવની સાક્ષીએ ફેરા ફરાય રે

સૌને હૈયે આનંદ અતિ ઉભરાય રે

બીજું બીજું મંગળીયું વરતાય રે

બીજે મંગળ રૂપાનાં દાન દેવાય રે

માંડવડાનાં મંગળ ગીતો ગવાય રે

શુભદિન આજે શુકનનો કહેવાય રે

ત્રીજું ત્રીજું મંગળીયું વરતાય રે

ત્રીજે મંગળ સોનાનાં દાન દેવાય રે

ફુલડાં કેરી ફોરમ બધે પ્રસરાય રે

બન્ને પક્ષે આનંદ અતિ ઉભરાય રે

ચોથું ચોથું મંગળીયું વરતાય રે

ચોથે મંગળ કન્યાનાં દાન દેવાય રે

અગ્નિદેવની સાક્ષીએ ફેરા ફરાય રે

માંડવડાનાં મંગળ ગીતો ગવાય રે

ધન્ય – નરેન્દ્ર મોદી

મે 23, 2010

પૃથ્વી આ રમ્ય છે
આંખ આ ધન્ય છે.
લીલાછમ ઘાસ પર તડકો ઢોળાય અહીં
તડકાને કેમે કરી ઝાલ્યો ઝલાય નહીં.
વ્યોમ તો ભવ્ય છે
ને પૃથ્વી આ રમ્ય છે.
આભમાં મેઘધનુષ મ્હોરતું, ફોરતું.
હવામાં રંગનાં વર્તુળો દોરતું.
કિયા ભવનું પુણ્ય છે ?!
જિંદગી ધન્ય છે, ધન્ય છે.
સમુદ્ર આ ઊછળે સાવ ઊંચે આભમાં,
કોણ જાણે શું ભર્યું છે વાદળોના ગાભમાં !
સભર આ શૂન્ય છે.
પૃથ્વી આ રમ્ય છે.
માનવીના મેળા સાથે મેળ આ મળતો રહ્યો,
ને અન્યના સંગાથમાં હું મને કળતો રહ્યો.
આ બધું અનન્ય છે.
ને કૈંક તો અગમ્ય છે.
ધન્ય ધન્ય ધન્ય છે.
પૃથ્વી મારી રમ્ય છે.

-નરેન્દ્ર મોદી

* લયસ્તરો

એકડો સાવ સળેખડો, બગડો ડિલે તગડો.. – રમેશ પારેખ

મે 21, 2010

એકડો સાવ સળેખડો, બગડો ડિલે તગડો
બંન્ને બથ્થંબથ્થા બાઝી, કરતા મોટો ઝગડો

તગડો તાળી પાડે, ને નાચે તાતાથૈ
ચોગડાની ઢીલી ચડ્ડી સરરરર ઉતરી ગઇ

પાંચડો પેંડા ખાતો એની છગડો તાણે ચોટી
સાતડો છાનો માનો સૌની લઇ ગયો લખોટી


* ટહુકો.કોમ

સે સોરી માય સન

મે 18, 2010

સે સોરી માય સન,

સે સોરીછ છ કલાક સ્કૂલ,ત્રણ ત્રણ કલાક ટ્યુશન,

ને તોય આ નોટ તારી કોરી,સે સોરી..

ઘસી ઘસી પીવડાવી અઢળક બદામ,

અને માથે તે ચોપડ્યું ઘી.

યાદદાસ્ત માટે શંખપુષ્પીની કંઈ

બાટલીઓપેટમાં ભરી.

કેમે કરી યાદ રહેતું તને લેસન,

યાદ રાખે તું સીરીયલની સ્ટોરી, સે સોરી..

પંખીઓ બચ્ચાને ઉડતાં શીખવે,

માણસ બચ્ચાને આપે પિંજરું,

મમ્મી તો મોરની પ્રેક્ટીસ કરાવે,

થાય બાળકને ટહુકા ચીતરું.

મમ્મી ક્યાં જાણે કે કોઈ નોટબુકમાં

બાળક લાવ્યું છે આભ આખું દોરી, સે સોરી..

તારે હો ઊંઘવું ને ત્યારે જગાડું

ને જાગવું હો ત્યારે સુવાડાવું,

પરીઓના દેશમાંથી ઉડતો ઝાલીને

તને રીક્ષામાં ખીચો ખીચ ઢાસું.

ભણતરનો ભાર એવો દફતરનો ભાર,

જાણે ઊંચકે મજૂર કોઈ બોરી, સે સોરી

* રઈશ મણીયાર

તમને જાણ કરૂં છૂં…

મે 16, 2010

ઉનાળો ભૂસ્તરોમાંથી
બહાર આવી લટકી રહ્યો છે,
આપણા વાસીપણામાં.
જેવી રીતે સંસ્કૄત નાટ્ય ગૄહમાં
અજાણી બપોરિયું તાંણતી બીલાડી…
અને હમણા જ
પોમ્પી નાટ્યગૄહમાં એસ્પ્રેસો કોફીમાંથી
ઘર કરી ગયેલી વાસમાં
ભીનો માણસ
બારણા વચ્ચે જડેલા peep-holeમાંથી
બાંડી આંખે કરેલો દૄષ્ટીપાતથી
તમને માપે છેઃ
એને સંસ્મૄતિ કહેવાય, પછી નવલિકા.
છતાં આપણે મૂળભૂતના સામ્ય નથી.
આપણે કેટલાય નહિવતથી છેતરાયેલા
( મંદિરવાળા ઘંટારવમાં ઊંઘવાની ચળ ભરેલા.)
પાછળમાં ટૂંકા અને કકરા.
નથી ભૂલી શકતો તમારા તૈલચિત્રો
ફૂટપાથ પર ઊભેલા,
સસ્તા છતાં નવાં
અથવા તરછોડેલા અને ચીંથરેહાલ,
ભીંતે ટેકો કરી ઊભેલી તમારી ચોકઠે જડી still-life,
તમે કેવી રીતે ઈર્ષ્યા કરી શક્શો તડકા વિષે,
જે રીતે એ પ્યાલાની કોર પર ફરી ફરી ફાટી પડે છે…

હિમાંશુનાં કાવ્યો

આકાશ

મે 15, 2010

આકાશ દયાળુ છે
નહીંતર
આપણે માટે
ધગધગતો સૂરજ,
કાતિલ ઠંડકથી
દઝાડતો ચંદ્ર
છાતીએ ચાંપે ?
વરસાદ માટે
છાતીમાં કાણાં શું કામ પાડે ?
અને આપણી
આડોડાઈ તો જુઓ:
આપણાં પર પડતાં
તમામ દુઃખોનો દેનારો ક્યાં ?
એમ પૂછાય ત્યારે
આપણે આંગળી
તો
આકાશ સામે જ ચીંધીએ છીએ.

-ચિનુ મોદી

અમે ન્યાલ થઈ ગયા

મે 13, 2010

લઈને તમારું નામ, અમે ન્યાલ થઈ ગયા,
દ્વિધા મટી તમામ, અમે ન્યાલ થઈ ગયા.

શોધીને એક મુકામ, અમે ન્યાલ થઈ ગયા,
છોડીને દોડધામ, અમે ન્યાલ થઈ ગયા.

ડહાપણને રામ રામ, અમે ન્યાલ થઈ ગયા,
દીવાનગી સલામ ! અમે ન્યાલ થઈ ગયા.

યુગયુગની તરસનો હવે અંત આવશે,
તેઓ ધરે છે જામ, અમે ન્યાલ થઈ ગયા.

છેવટનાં બંધનોથીય મુક્તિ મળી ગઈ,
ના કોઈ નામઠામ, અમે ન્યાલ થઈ ગયા.

છે ઓર સાદગીમાં હવે ઠાઠ આપણો,
ત્યાગીને સૌ દમામ, અમે ન્યાલ થઈ ગયા.

સોંપી હવે તો દિલની મતા એમને અદમ,
માંગી લીધો વિરામ, અમે ન્યાલ થઈ ગયા.

’અદમ‘ ટંકારવી

Advertisements